પ્રભુ શ્રી રામના નયનાભિરામ દર્શન માટે અત્યંત આતુર ભક્તોની ઉત્કંઠાનું છેવટે સુખદ નિરાકરણ આવ્યું
રામલલાના આસનની નદીના જળથી પ્રક્ષાલન વિધિ કરાઈ, ભગવાન રામના દિવ્ય બાળસ્વરૂપ વિગ્રહની જલાધિવાસ અને ગંધાધિવાસ વિધિ કરવામાં આવી, મનમોહક મલકાટ, ભાલે તિલક અને હાથમાં સોનાના ધનુષ-બાણ સાથે દર્શાન
વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓ જે દિવ્ય દર્શનની તક મળવાની રાહ જોઈ રહ્યા હતા તે તક શુક્રવારે તેમને સાંપડી ગઈ હતી. અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં વિરાજમાન કરાયેલા રામલલાના વિગ્રહના આજે પ્રથમ દર્શન થઈ શક્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રભુ શ્રી રામના નયનાભિરામ દર્શન માટે આતુર ભક્તોની ઉત્કંઠા આજે સમાપ્ત થઈ ગઈ હતી અને રામલલાની પ્રથમ ભવ્ય તસવીર સામે
આવી છે. જોકે, આ તસવીર ભગવાન રામલલાને ગર્ભગૃહમાં વિરાજિત કરાયા તે પહેલાંની છે. તસવીરમાં રામલલાના ચહેરા પર મધુર મલકાટ, ભાલ પ્રદેશ પર તિલક અને હાથમાં ધનુષ-બાણ જોવા મળી રહ્યા છે. રામલલાના વિગ્રહને ગુરુવારે વૈદિક મંત્રોચ્ચારો સાથે મંદિરના ગર્ભગૃહમાં વિરાજિત કરાયો હતો. રામલલાની પ્રથમ સામે આવેલી તસવીરમાં ભગવાનની આંખો પાટાથી ઢંકાયેલી જોવા મળી હતી. બુધવારે રાત્રે મૂર્તિને ગર્ભગૃહમાં લવાઈ હતી અને ગુરુવારે તેને વિધિવત આસન પર વિરાજમાન કરવામાં આવી હતી. ભગવાન રામલલાની મૂર્તિ ૧૫૦થી ૨૦૦ કિલોગ્રામ જેટલું વજન ધરાવતી હોવાને કારણે મૂર્તિને ગર્ભગૃહમાં આસન પર વિરાજિત કરવા દરમિયાન ઇજનેરોની આખી ટીમ સજ્જ રાખવામાં આવી હતી. રામલલાને આસન પર વિરાજિત કરાયા તે પહેલાં ગર્ભગૃહ અને આસનની દેશભરની પવિત્ર નદીઓમાંથી લવાયેલા જળ વડે જલાધિવાસ વિધિ હેઠળ પ્રક્ષાલન ક્રિયા કરવામાં આવી હતી. જલાધિવાસ વિધિ અનુસાર મૂર્તિને પાણીમાં રાખવામાં આવે છે પરંતુ રામલલાની પ્રતિમાના કદ અને આકારને જોતા રામલલાની પ્રતિમાના ચરણોમાં જળ કળશ રાખવામાં આવ્યા હતા અને જળમાં તરબોળ કરાયેલું કાપડ
ભગવાનની મૂર્તિને વીંટાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મૂર્તિને ચંદન અને કેસરથી નિર્મિત વિશેષ લેપ વડે લેપન કરાયું હતું જેને ગંધાધિવાસ વિધિ કહેવામાં આવે છે.
૩.૪ ફૂટ ઊંચું છે રામલલાનું આસન : બુધવારે રાત્રે ક્રેનની મદદથી રામલલાની મુર્તિને રામમંદિર પરિસરની અંદર લવાઁð હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ગર્ભગૃહમાં તેમનું આસન તૈયાર કરાવવામાં આવ્યું છે. રામલલાનું આ આસન ૩.૪ ફૂટ ઊંચું છે. ભગવાનનું આસન મકરાણા પથ્થરથી તૈયાર કરવામાં આવ્યું છે. રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે પ્રધાન સંકલ્પ લીધો હતો. પ્રધાન સંકલ્પ લેવા પાછળનો આશય એ છે કે ભગવાન રામની પ્રતિષ્ઠા સૌ કોઈના કલ્યાણ માટે કરાઈ રહી છે. ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા દેશના કલ્યાણ માટે, માનવતાના કલ્યાણ માટે અને મંદિરના કાર્યમાં પ્રદાન કરનારા લોકોના કલ્યાણાર્થે કરાઈ રહી છે.
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्र शरणं प्रपद्ये ॥
શ્યામવર્ણી મૂર્તિ ૫૧ ઈંચની છે
મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી ૫૧ ઇંચની રામલલાની આ મૂર્તિને ગુરુવારે મળસ્કે મંદિરમાં લવાઈ હતી. કર્ણાટકના મૈસૂરના રહેવાસી યોગીરાજ મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે અને અરુણ યોગીરાજ વર્તમાન સમયમાં દેશના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા મૂર્તિકાર છે. રામલલાની આ બાળસ્વરૂપની મૂર્તિને કાળા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિમાં રામલલાને પાંચ વર્ષના બાળકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જેઓ કમળ પર ઊભા છે. આભા અને કમળને કારણે મૂર્તિનું વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું થઈ ગયું છે.
રામસ્તુતિ અનુસાર જ રામલલાની ઝલક
ભગવાન શ્રીરામની સ્તુતિમાં તેમને આજાનુભુજ શર ચાપ ધર કહેવાયા છે અને રામમંદિરમાં વિરાજિત થયેલી મૂર્તિ પણ આ સ્તુતિની ઝલક દર્શાવે છે.
આજાનુભુજ-જેમના હાથ લાંબા છે... /શર-તીર /ચાપ-ધનુષ /ધર-હાથમાં રાખનાર
Post a Comment